ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગકચેરી, નર્મદા દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખએ જણાવ્યું કે, દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. જેના થકી દીકરીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા તથા અસમાનતા, ભેદભાવ દૂર કરી હિંસામાં ન્યાય થાય તે માટે જાગૃત કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત દીકરીઓને રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વેળાએ મહિલાબાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવાએ જણાવ્યું કે, આજે આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, આજે દીકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. અને આત્મનિર્ભર બનીને ગામ, જિલ્લા, દેશને ચલાવી રહી છે. મહિલા અને બાળવિકાસ અધિકારીએ પણ વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકાઓ દ્વારા સામાન્યસભા યોજી હતી.
જેમાં દીકરીઓના જન્મ અને શિક્ષણ, દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ અને આગામી સમયમાં ૫૦ ટકા મહિલા અનામત, આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક્ક અધિકાર, સામજિક દુષણો વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવ્યું હતું. ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ચૂંટણી પ્રક્રિયા દ્વારા તથા જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયત ઊભી કરાઇ છે. પધારેલ મહાનુભાવો દ્વારા બાલિકા પંચાયતની દીકરીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષામાં રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી મેળવેલ દિકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વહાલી દીકરી વધામણા કીટ વિતરણ અને વહાલી દીકરી મંજુરી હુકમ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500